રવિવાર, જૂન 24, 2018

પણ થોડા મોડા પડ્યા

હા અમે અમને જડ્યા,પણ થોડા મોડા પડ્યા,
સાત કોઠા ઝળહળ્યા,પણ થોડા મોડા પડ્યા.
માર્ગ ભૂલી ક્યાં ગયા,શું ખુલાસા આપવા,
સાચે રસ્તે તો વળ્યા,પણ થોડા મોડા પડ્યા.
જિંદગી જાણે હતી,રંગહીન મલમલ કોઇ,
રંગ ભગવા સાંપડ્યા,પણ થોડા મોડા પડ્યા.
લોહી ખંજર પર હતાં,એક સરખાં એ છતાં, 
દોસ્ત,દુશ્મન ઓળખ્યા,પણ થોડા મોડા પડ્યા.
આહ ના "આનંદ" લઇ,જિંદગીભર તરફડ્યા,
વાહ ના "આનંદ" મળ્યા,પણ થોડા મોડા પડ્યા.
વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: