ગુરુવાર, જાન્યુઆરી 04, 2024

દોસ્ત રિસાઈ જાતો નહીં

આપ્યાં તને ઠપકા ઘણાં પણ દોસ્ત રિસાઈ જાતો નહીં,
દઈ દે મને કંઈ પણ સજા પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.

તારા દરદ છે દોહ્યલા ના કોઈ પણ એ લઈ શકે કદી,

કરતો રહે એની દવા પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.


આ દોસ્ત તો રંગીન છે લોકો બધા કહેતા રહે છતાં,

મેણાં ભલે વાગે ઘણાં પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.


મોં પર મળે મીઠાં શબદ ને પ્રેમના દેખાવ પણ ઘણાં,

મળતા હશે પાછળ દગા, પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.


"આનંદ"ને દઈ આંસુના દરિયા અને વચ્ચેથી છોડ માં,

લઈલે હજી લેવી મજા પણ દોસ્ત રિસાઈ  જાતો નહીં.



વિનોદ નગદિયા (આનંદ)









મંગળવાર, જાન્યુઆરી 02, 2024

એ કેમ ચાલે

 નામ કોઈનું ભુલાઈ જાય એ કેમ ચાલે?
રાત આખી કોહવાઈ જાય એ કેમ ચાલે?

નામ કોઈ સ્વપ્નમા આવે પરાણે કે તરત,

ઊંઘમાં પડખું ફરાઈ જાય એ કેમ ચાલે ?


કોઈ મારા હાથને જ્યાં પ્રેમથી બસ અડે ત્યાં,

આંખમાં પાણી ભરાઈ જાય એ કેમ ચાલે?


ચોટ પણ આપો અને વહેવાર પણ બંધ સઘળો?

આમ સંબંધો હવાઈ જાય એ કેમ ચાલે?


દાહ તો શમ્યો છતાંયે ઝંખના એની જ છે,

કોઈ ગમતાં ઘા રૂઝાઈ જાય એ કેમ ચાલે ?


વિનોદ નગદિયા (આનંદ)





બુધવાર, ડિસેમ્બર 27, 2023

કોણ ભાળે

ભીતરમાં આંસુઓનો ભંડાર કોણ ભાળે!
આંખોમાં સોણલાંનો ભંગાર કોણ ભાળે!

કાયમ કરી છે પરવા પહેલાં જગત સકળની,

રાખ્યો જે ખુદની સાથે વહેવાર કોણ ભાળે!


ઝળહળ હશે બધાનો, દેખાવ તો મજાનો,

અંદર ભર્યો એ ઊંડો અંધાર કોણ ભાળે!


સહુને પડી છે ખુદના ઘરબારની અહીંયા,

કોનો હશે ને કેવો, સંસાર કોણ ભાળે!


અફસોસમાં વીતી છે આ સારી જિંદગાની,

"આનંદ"ના મળે પણ, અણસાર કોણ ભાળે!


વિનોદ નગદિયા (આનંદ)

શુક્રવાર, ડિસેમ્બર 22, 2023

ઈચ્છા પડે તો આવી જા

બાકી બચી થોડી સફર,ઈચ્છા પડે તો આવી જા,
બીજા ભવની કોને ખબર,ઈચ્છા પડે તો આવી જા.

પીધાં હશે પાણી ભલે, જ્યાં જ્યાં પરબ દીઠી હશે,

ઝંખે તને પ્યાસી નજર, ઈચ્છા પડે તો આવી જા.


આકાશ પણ ઉજ્જવળ છે,ને માર્ગ પણ સીધા સરળ,

અજવાસ છે તારા વગર,ઈચ્છા પડે તો આવી જા.


લ્યો આવજો ત્યારે હવે....એ કોલ પણ ના લઈ શક્યા,

અફસોસ રહેશે ઉમ્રભર, ઈચ્છા પડે તો આવી જા.


જે હમસફર બનશે કદી,એની સફર માં આમ પણ,

"આનંદ" નહિ રાખે કસર, ઈચ્છા પડે તો આવી જા.


વિનોદ નગદિયા (આનંદ)

મંગળવાર, ડિસેમ્બર 19, 2023

મુકતક

હતાં તમે અહીં જ હતા, પણ અમે સાદ કર્યો નહીં,
ધા ઉભા રહી જ જતાં, પણ અમે સાદ કર્યો નહીં,
હશે અહમ ની આણ કે મજબૂરી સ્વભાવની પછી,
મિત્રો ભલે છૂટી જતાં,પણ અમે સાદ કર્યો નહીં.

વિનોદ નગદિયા (આનંદ)

રવિવાર, ડિસેમ્બર 17, 2023

ત્યારે તમે ક્યાં હતા

ઊંડા વમળ આભડ્યા,ત્યારે તમે ક્યાં હતા ?
જ્યારે વહાણ ડગમગ્યા,ત્યારે તમે ક્યાં હતા ?

ચહેરા ઉપર કાલિમા ને આંખમાં અશ્રુ હતાં,

ભાલે કલંકો જડ્યા, ત્યારે તમે ક્યાં હતા?


સારા દિવસના રહ્યાં કાયમ તમે સોબતી,

માઠા સમય થી લડ્યા,ત્યારે તમે ક્યાં હતા ?


જાહોજલાલી અમારી સાંભળી ને બધા,

સરખામણી એ ચડ્યા, ત્યારે તમે ક્યાં હતા


દિવસો ઘણાં પ્રેમના આપ્યા હશે તે છતાં,

"આનંદ" પાછા પડ્યા,ત્યારે તમે ક્યાં હતા ?


વિનોદ નગદિયા (આનંદ)

















ગુરુવાર, ડિસેમ્બર 14, 2023

અણસાર

 દોસ્તો ની મહેફીલ માં હું ન હતો,મારી યાદ પણ નહીં ,
અણસાર મારી દશા નો મને સાચો આજે મળી ગયો.

વિનોદ નગદિયા (આનંદ)




મંગળવાર, ડિસેમ્બર 12, 2023

લાવ્યા કર

વાગે છે તો વગાડ્યા કર,
એમ સંગત નિભાવ્યા કર.

શ્વાસમાં કોઈનું સ્મરણ,           

ચાલે છે તો ચલાવ્યા કર,


સેજમાં રાતરાણીથી,

શૂન્યતા ને સજાવ્યા કર.


ભાગ્ય તો ભીની માટી છે,

ઘાટ તું બસ ઘડાવ્યા કર.


તેં ગઝલમાં જે ધર્યો છે,

એજ "આનંદ" લાવ્યા કર.


વિનોદ નગદિયા (આનંદ)








સોમવાર, નવેમ્બર 27, 2023

પરફ્યુમ છાંટી છાંટી ને


ગંધાય છે માણસ ઘણાં પરફ્યુમ છાંટી છાંટી ને,
લાગે એ સઘળાં વામણાં પરફયુમ છાંટી છાંટી ને.

કવિતા ય જાણે આવતી લાલી લગાવીને હવે,
છંદો આવે છે ઝૂલણાં પરફ્યુમ છાંટી છાંટી ને.

માણસ બધાએ બોમ્બ થઈ ફૂટી શકે છે ક્યાંય પણ,
મહેંકે ભલે સો સો ગણા પરફ્યુમ છાંટી છાંટી ને.

તસવીર ક્યાં સૂંઘી શકે છે આવનારા ની હવા ?
જામે છે એના બેસણા પરફ્યુમ છાંટી છાંટી ને.

બેઠાં અહીં ચારે તરફ સહુ સ્વાર્થના કાળોતરા,
વિષધરો ખોલી ફણા પરફ્યુમ છાંટી છાંટી ને.

વિનોદ નગદિયા (આનંદ)

पता नहीं मुझे

 






मेरे शहर का मौसम तो ठीक ठाक है

तेरे शहर का हाल पता नहीं मुझे ।


मेरी रातें संवरती है तेरे ख्वाबों से,

तेरी रातों की चाल पता नहीं मुझे।


नर्तनभी मेरे खून में बस तेरे नामसे है,

तेरी धडकनों का ताल पता नहीं मुझे।


गुजरेथे उस गलीसे डबडबेसे हम,

वो कौनसी थी साल पता नहीं मुझे।


मेरी तो जिंदगी बस तार तार है,

क्या हुआ तेरे नाल, पता नहीं मुझे।


विनोद नगदिया (आनंद)




રવિવાર, નવેમ્બર 26, 2023

ओले

दो चार बुंदोसे शुरू होती है
और
बर्फके ओले बनकर गिरती है मुजपे
यादें तेरी।
कुछ लगती भी है, थोड़ा दर्द भी देती है,
मगर ठंडक बहोत देती है।
बहोत देर तक ठंड  ठंड सर्द हवाओंसी
तेरी यादें मेरे तन बदनको जकड़ लेती है,
और
मैं ठिठुर सा जाता हूं,
कंबल ओढ़ लेता हूं,
और सिकुड़के सो जाता हुं,
इक रातके लिए तेरी यादों की 
बारिश से बचकर।

विनोद नगदिया (आनंद)


લ્યો આવજો હવે

બાકી રહ્યો છોને પ્રણય ,લ્યો આવજો હવે,
આવી ગયો અંતિમ સમય,લ્યો આવજો હવે.

દિલમાં જરા પણ લાગણી ફૂટી નહીં કદી,

ઘાયલ રહ્યું કાયમ હૃદય, લ્યો આવજો હવે.


કોરી નદીના માર્ગ સમ બળબળતી રેતમાં,

છેડા રહ્યા સામે ઉભય ,લ્યો આવજો હવે.


કોણે કહ્યું કે જિંદગી રફતારમાં નથી ?

ચૂક્યા નથી ક્યારેય લય, લ્યો આવજો હવે.


"આનંદ" થી પહોંચી ગયા સંગાથ એટલે,

છેડ્યો નહીં અઘરો વિષય, લ્યો આવજો હવે.


વિનોદ  નગદિયા (આનંદ)








શુક્રવાર, નવેમ્બર 24, 2023

એના અવાજમાં

પહેલાં સમો રણકો નથી એના અવાજમા, 
દિલ નો કોઈ પડઘો નથી એના અવાજમાં. 

વરસો પછી મળતા હશું એકાંત માં છતાં, 

આવેગ નો થડકો નથી એના અવાજમાં. 


ઓછાં થયાં છે હેત એ દેખાઈ આવે છે, 

છાનો કોઈ ઠપકો નથી એના અવાજમાં. 


ફિક્કા થયા છે સ્વાદ સહુ સંસારના હવે,

તીખાશનો તડકો નથી એના અવાજમાં.l


એ ગાય છે કવિતા ભલે ઉલ્લાસની છતાં,

"આનંદ"નો ઊભરો નથી એના અવાજમાં.



વિનોદ નગદિયા (આનંદ)




ગુરુવાર, નવેમ્બર 16, 2023

મળે છે મને તું

 ગઝલમાં જ કાયમ મળે છે મને તું,
પછી દાદ થઈને  કળે છે મને તું.

ભલે તારી સાથે ન બોલું જીવનભર,

છતાં કાન દઈ સાંભળે છે મને તું.


ભરાયે જો ડૂમો તને યાદ કરતાં,

તરત આંસુ રૂપે ફળે છે મને તું.


હશે તો હશે એ સમયની ગદ્દારી,

ને નિ:શ્વાસ માં કાં દળે છે મને તું.


આ ચહેરો નીહાળી કહેશે કોઈ પણ,

ઉદાસીમાં કેવી ભળે છે મને તું.


વિનોદ નગદિયા (આનંદ)

મંગળવાર, નવેમ્બર 07, 2023

સુરસુરિયું

જવાની તાજી તાજી હતી. દિવાળી ના દિવસો હતા. માંડ માંડ મેળ પડ્યો હતો, અને એક બોમ્બ મેળવ્યો.

ખૂબ જતનથી એને સાચવ્યો અને એક સપરમા દિવસે નવી નક્કોર મીણબત્તી લાવી ને એની વાટ સળગાવી.સર સર કરતી વાટ સળગી ,પણ શું થયું કે બોમ્બ ફૂટ્યો નહિ, અને સુરસુરિયું થઈ ગયું.

    ફરી પાછી કોઈ નવી વાટ નાંખીને ક્યારેક ટ્રાય કરશું એમ વિચારી શર્ટ ના ખિસ્સા માં બરોબર હ્રદય ની પાસે એ બોમ્બ મૂકી દીધો. પણ પછી એ અવસર મળ્યો નહીં , અને દિવસો વીતતા ગયા. શર્ટ પણ ધોવાઈ ગયું, બોમ્બ પણ હવાઈ ગયો. 

  દિવસો, વરસો વીતતા ગયાં. કેટલાંય શર્ટ પહેરાઈ ગયાં, ધોવાઈ ગયાં...પણ હજી ક્યારેક મધરાતે મારા શર્ટ ના હૃદય પાસેના ખિસ્સા માંથી થોડોક ગૂંગળામણ કરતો ધૂમાડો નીકળતો હોય એવું લાગે છે. એ પેલાં સુરસુરિયા થઈ ગયેલા બોમ્બ નો નિ:શ્વાસ તો નહીં હોય !


   વિનોદ નગદિયા (આનંદ)