રવિવાર, ડિસેમ્બર 10, 2017

વાગી જાશે કદી

તેજ તલવાર છે, વાગી જાશે કદી,
શબ્દને ધાર છે, વાગી જાશે કદી.

કોક વસમી મરણનોંધ મળી આવશે,
યાદ અખબાર છે, વાગી જાશે કદી.

ઠેસને એટલી ય સમજણ પણ નથી,
આંધળો પ્યાર છે, વાગી જાશે કદી.

પહેરતાં થરથરે મારી માસુમિયત,
ફૂલનો હાર છે, વાગી જાશે કદી.

ઉંચકી ના શકે રોજ નિઃશ્વાસને,
એ વજનદાર છે, વાગી જાશે કદી.

દૂર ભાગે બધા એમ "આનંદ"થી,
જણ ગઝલકાર છે, વાગી જાશે કદી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: