શનિવાર, સપ્ટેમ્બર 22, 2018

ખુવારી મળી છે

ખુવારી ખુવારી ખુવારી મળી છે,
છતાં જિંદગીમા ખુમારી રહી છે.

ઘણાં દર્દ એવાં સહન થઇ ગયાં છે,
કે સપનાય એના ધ્રુજાવી મુકે છે,
મળ્યા હાથ જે જે દઝાડી ગયા છે,
હથેળી છતાંયે સુંવાળી રહી છે....

નશાથી ય બદતર નશો છે ઉદાસી,
ચડી જો ગયો તો એ રહે બારમાસી,
ગજબની ગરૂરી વદન પર દીસે છે,
હતાશાની જાણે દીવાની મળી છે....

ખુવારી ખુવારી ખુવારી મળી છે,
છતાં જિંદગીમા ખુમારી રહી છે. 

વિનોદ નગદિયા (આનંદ)

મુક્તક

લાગણીઓ પર ભલે નકાબ રાખ્યો છે,
પણ બધા ઝખ્મનો મેં હિસાબ રાખ્યો છે.
આવશે જ્યારે સમય ચૂકવશે વ્યાજ સહ,
એટલો તો આજ પણ રૂઆબ રાખ્યો છે.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

બુધવાર, સપ્ટેમ્બર 19, 2018

ધૂમાડો ધૂમાડો થઇ ગયું છે જીવન,
બાળ્યા જે સ્વપ્ન એ બહુ ભીના હતાં.
 
વિનોદ નગદિયા (આનંદ)

 

શુક્રવાર, સપ્ટેમ્બર 14, 2018

ઉપાય

ઘરના કામ ઘણાં પેંડીંગ પડ્યા છે,
લાગે છે 
હવે 
ભારત બંધનો જુગાડ કરવો પડશે.

વિનોદ નગદિયા (આનંદ)

ગુરુવાર, સપ્ટેમ્બર 13, 2018

આસ્થા ય આમાં સ્થિર કેમ રહી શકે,
ભગવાન ખુદ જો મુખવટા બદલ્યા કરે. 

વિનોદ નગદિયા (આનંદ)

 

રવિવાર, સપ્ટેમ્બર 09, 2018

કાફલો થંભી જશે આ શ્વાસનો,
યાદના રસ્તે ભૂવો જો આવશે.

વિનોદ નગદિયા (આનંદ) 

મંગળવાર, સપ્ટેમ્બર 04, 2018

દીધાં છે

ભલે જિંદગી ઘાવ કારી દીધાં છે,
સંબંધો ઘણા પણ મઠારી દીધાં છે.
 
નથી કોઈ સ્વપ્ન હવે મારી આંખે,
બધા ટીપે ટીપે નિતારી દીધાં છે.

હતા દૂર એ તો ફકત બે કદમ પણ,
અમે માપ ભળતાં વધારી દીધાં છે.
 
હથેળી હથેળીની ઉષ્મા ફરકથી,
ઘણા હાથ સીધા નકારી દીધાં છે.
 
નિજાનંદના મસ્ત પાતાળ લોકે,
અમે ખુદને ઊંડા ઉતારી દીધાં છે.
 
 
વિનોદ નગદિયા (આનંદ)

 

શનિવાર, સપ્ટેમ્બર 01, 2018

ઘટના લોહી ઉછળવાની હતી,
અફવા સ્પર્શ પામવાની હતી.
 

વિનોદ નગદિયા (આનંદ)

શુક્રવાર, ઑગસ્ટ 31, 2018

મુક્તક

 ગીત ગઝલ ભુલાઇ ગયા આયકરની લાહ્યમાં,
ઊર્મિ ઝરણ સુકાઇ ગયા આયકરની લાહ્યમાં.
જાળ ફેલી એવી સખત આંકડાની આસપાસ,
સાવ અમે ફસાઇ ગયા આયકરની લાહ્યમાં.
 

વિનોદ નગદિયા (આનંદ)

ગુરુવાર, ઑગસ્ટ 30, 2018

મુક્તક

ઘાયલ હૃદય તો કેટલા જખમો સહી ગયું,
તોપણ સતત એ ઝંખના કોની કરી રહ્યું?
કોઈ તો છે જ એવું જે અંદરથી ખોતરે,
જાણે અજાણે એ જ પણ ધડકન બની ગયું.

વિનોદ નગદિયા (આનંદ)
 

બુધવાર, ઑગસ્ટ 29, 2018

મુક્તક

કપરો સમય ફરી આવતો નથી,
સારો સમય હવે ફાવતો નથી,
આદત ઉદાસીની એવી પડી ગઈ,
"આનંદ" રસ હવે ભાવતો નથી.

વિનોદ નગદિયા (આનંદ)

રવિવાર, ઑગસ્ટ 26, 2018

કાચા સૂતરને તાંતણે પાકી વણે છે લાગણી,
જ્યારે બહેન ભાઇને બાંધે છે કોઈ રાખડી.
 

વિનોદ નગદિયા(આનંદ)

શુક્રવાર, ઑગસ્ટ 24, 2018

મુક્તક

 મુક્તક
 
ગાંઠ થઇને રહી ગયા, ગાંઠ ખોલવાની મથામણમાં,
લ્યો અબોલા થઇ ગયા,માંડ બોલવાની મથામણમાં.
કોણ ઉંચકી શક્યું છે અહીં ભાર સંબંધના આકરાં,
સાવ લટકતાં રહી ગયા,વ્હાલ તોલવાની મથામણમાં.
 
વિનોદ નગદિયા (આનંદ)
 
દેવનાગરીમાં પણ ગુજરાતી લખાઇ જાય છે,
જ્યારે સાવ અંદરથી કંઇક આવી જાય છે.
 

વિનોદ નગદિયા (આનંદ)

મંગળવાર, ઑગસ્ટ 21, 2018

आगे पीछे करती है वक्त को ऐसे,
घडी मेरे घर की विधाता हो जैसे .
 
विनोद नगदिया (आनंद)