સોમવાર, જાન્યુઆરી 23, 2017

બની

લાખો કર્યા પ્રયત્ન પણ એ વાત ક્યાં બની,
આ જિંદગી વિષાદથી આઝાદ ના બની.

તેથી ત્વચાની આરપાર પ્રકાશ પુંજ છે,
પ્રગટ્યું છે સારું દર્દ જાણે દેવતા બની.

ભડભડ બળી છે આમતો તસવીરમાં બધે,
આંખે અડી જો યાદ તો એ આશકા બની.

સંબંધ સાચા જેટલાં પરખાઇ ના શક્યાં,
ખટકે છે એના પાળિયા અહીં ઓરતા બની.

જ્યાં જ્યાં ચગાવ્યો મેં કદી મારા પતંગને,
"આનંદ" એ અગાસીઓ સહુ આશના બની.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: