મંગળવાર, મે 23, 2017

સ્પર્શી જાયછે

કોઈ ગઝલનો શેર સીધો દિલ ને સ્પર્શી જાય છે,
આંખો મહીં ભીનાશની ઝીણી પરત બંધાય છે,

શબ્દો જરા અડકે અને મૂર્છિત અવસ્થા સાંપડે,
એવાં રસાયણ શેરમાં ક્યારેક ભરી દેવાય છે.

ધારી દિશામાં હ્રદયની રેખાને વાળી જાયછે,
એ શેરના ઓવારણાં હર મજલિસે લેવાય છે.

રાતે જમાવી યાદની મહેફીલ, ને એકાંતમાં,
હળવે કણસવાથી મજાની શેરિયત સરજાય છે.

ગમતી ગઝલના તોરણો જો બારણે બંધાય છે,
અવસર સદા "આનંદ" મંગલ આંગણે ઉજવાય છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: