શનિવાર, નવેમ્બર 25, 2017

જાળવીને રાખજો

આંખની ભીનાશને જાળવીને રાખજો,
હૈયામાં કુમાશને જાળવીને રાખજો.

કોણ જાણે કેટલાં રંગો ભરે જિંદગી,
સ્વપ્નમાં આકાશને જાળવીને રાખજો.

અંત લાગે આપને સાવ સામે રમતનો,
એ સમય પર આશને જાળવીને રાખજો.

પાનખર ને પણ જરા તાઝગી મળતી રહે,
એટલી લીલાશને જાળવીને રાખજો.

બહુ મજાની કલ્પનામાં જિંદગી વીતી જશે,
વારતામાં "કાશ" ને જાળવીને રાખજો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: