મંગળવાર, માર્ચ 20, 2018

કવિતા

આ ભરાડી નખરાળી મોહક કવિતા
ક્યારેક મધરાતે વિસ્ફારિત નેત્રે
કલાકો સુધી છતમાં તાકી રહેવા મજબૂર કરે છે,
અને ત્યાં કેટલાંય દ્ર્શ્યો દેખાડે છે.
તો ક્યારેક
કમોડ પર કલાકો સુધી બેસાડી રાખે છે
અને
હું જેમ જેમ ખાલી થતો જાઉં છું
એમ એમ ઉભરાતો જાઉં છું.
તો ક્યારેક
રેલ્વે પ્લેટ્ફોર્મ પર મારા પગ જકડી રાખે છે
અને
કંઇ કેટલીય ટ્રેનો મારી અંદર બહારથી પસાર થઇ જાય છે.
અચાનક એક ટ્રેન આવે છે
ભરચક્ક...જરા પણ જગા નહીં...
અને..હા...એજ ભરાડી નખરાળી મોહક કવિતા...
બારીમાંથી હાથ લાંબો કરી બૂમ પાડી મને બોલાવે છે,
અને હું દોડીને બારમા ખેલાડીની જેમ
લટકી પડું છુ એ ભરચક્ક ટ્રેનમાં...
ક્યારેક અંદર કવિતા સુધી પહોંચાશે
એ આશાએ.

વિનોદ નગદિયા (આનંદ)

વિશ્વ કવિતા દિવસની શુભ કામનાઓ
21/03/2018


ટિપ્પણીઓ નથી: