ઝાકળ ભીની એ ક્ષણ બધી, કંડારતા કંડારતા,
કંઇ તસવીરોમાં કેદ થઇ,લ્યો આ વરસ પુરું થયું.
અવસર મળ્યા કેવા મળ્યા,અફસોસ પણ ના થઇ શક્યો,
ઝખ્મો વગરનો ખેદ થઇ,લ્યો આ વરસ પુરું થયું.
જે સત્ય છે સચવાય નહીં,ને સાનમાં કહેવાય નહીં,
ભીરુ ભીતરનો ભેદ થઇ,લ્યો આ વરસ પુરું થયું.
છે જર્જરિત એ વસ્ત્ર પણ,વણતર બધાં સાબૂત છે,
આ ભવમાં આછો છેદ થઇ,લ્યો આ વરસ પુરું થયું.
ઋચા ઘણી નવતર જડી,નવતર ઘણાં મંત્રો મળ્યા,
આનંદ આખો વેદ થઇ,લ્યો આ વરસ પુરું થયું.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો