સવારે અખબાર ખોલી ને નિયમ મુજબ સહુથી પહેલાં
મરણ નોંધ વાંચવા નુ શરૂ કર્યું.એક નોંધ પર નજર સ્થિર
થઇ ગઇ..અને પછી અચાનક આંખોમાં ચમક આવી ગઇ.
પત્નીને બૂમ પાડી, અરે સાંભળે છે ! આજે સાંજે આપણે
સાદડીમાં જવાનું છે, તૈયાર થઇ જજે.
ધાર્યા મુજબ એ પણ આવી હતી.શ્વેત સાડીમાં
આટલા વર્ષો પછી પણ એટલી જ મોહક લાગતી હતી.અવસ્થા
પ્રમાણે ચહેરા પર થોડી ગરવાઇ આવી હતી બસ !અજાણતા જ
તેનાથી પત્ની ના ચહેરા તરફ જોવાઇ ગયું.
પ્રાર્થના સભા દરમ્યાન વારંવાર એ તરફ નજર જતી હતી,
આંખોમાં ઝળઝળિયા સ્પષ્ટ દેખાતાં હતા, એ મૃતક માટે હતાં કે...!
અચાનક ક્યારેક નજર પણ મળતી અને ત્યાંથી છૂટેલા નિઃશ્વાસના
ભાર તળે એ ધરબાઇ જતો હતો.
પ્રાર્થના સભાના અંતે મહાદેવજીના ફોટાને અને મૃતકના
ફોટાને પ્રણામ કરવા એ આગળ ગયો. મહાદેવજીના ફોટાના કાચમાં
પ્રતિબિંબો દેખાંતા હતા, અસંખ્ય શ્વેત સાડીઓના ! ઘણી કોશિષ કરી
પણ મનગમતું પ્રતિબંબ એ શોધી ન શક્યો.
છેવટ એક હળવો નિઃશ્વાસ નાંખી એણે લાલ ગુલાબની વેરાયેલી
પાંખડીઓ એકઠી કરીને અર્પણ કરી દીધી,આંસુના એક ટીપા સાથે !
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો