બુધવાર, ડિસેમ્બર 27, 2023

કોણ ભાળે

ભીતરમાં આંસુઓનો ભંડાર કોણ ભાળે!
આંખોમાં સોણલાંનો ભંગાર કોણ ભાળે!

કાયમ કરી છે પરવા પહેલાં જગત સકળની,

રાખ્યો જે ખુદની સાથે વહેવાર કોણ ભાળે!


ઝળહળ હશે બધાનો, દેખાવ તો મજાનો,

અંદર ભર્યો એ ઊંડો અંધાર કોણ ભાળે!


સહુને પડી છે ખુદના ઘરબારની અહીંયા,

કોનો હશે ને કેવો, સંસાર કોણ ભાળે!


અફસોસમાં વીતી છે આ સારી જિંદગાની,

"આનંદ"ના મળે પણ, અણસાર કોણ ભાળે!


વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: