રવિવાર, જાન્યુઆરી 14, 2024

ન જાણ્યું જાનકીનાથે.....

એ રસ્તો ક્રોસ કરીને ચાલતોજ હતો કે અચાનક થંભી ગયો. દૂર એક શાકભાજી ની લારી પાસે એ ઉભી હતી અને કાછીયા સાથે કંઈ રકઝક કરતી હતી. એના હાથમાં સરસ મઝાનો ઓળો (ભરથું) થાય એવું મોટું રીંગણ હતું.એને હથેળી થી ગોળ ગોળ ફેરવતી હતી અને કાછીયા સાથે કંઈ રકઝક કરતી હતી. એની રકઝક કરવાની એજ મોહક અદા, એજ છણકો ,આખા શરીરે એક ઝણઝણાટી વ્યાપી ગઈ. કંઈ પણ લીધા વિના છેવટ એ ચાલી ગઈ. લગભગ દોડતી ચાલે એ શાકની લારી પાસે પહોંચ્યો, અને આડા અવળા શાકભાજી ના ભાવ પૂછી ને છેવટે એ જ રિંગણ ખરીદી લીધું.

       ઘેર પહોંચતા સુધીમાં તો થેલીમાં હાથ નાંખી નાંખી ને એ રિંગણ ને કેટલીય વાર ભાવથી પંપાળ્યું . રાત્રે એ રિંગણ ને મન ભરી ને ચૂમવું છે, એવું મનોમન નક્કી કરીને ઘરમાં કોઈને ખબર ન પડે એ રીતે ફ્રીઝમાં છેક અંદર સુધી સાચવી ને મુકી દીધું .

        સાંજે ઇવનિંગ વોક માં થોડું મોડું થઈ ગયું હતું.

શ્રીમતી નો ફોન પણ આવી ગયો, કેમ મોડું થયું? જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. " થાળી પીરસ , હું હમણાંજ પહોંચુ છું " એણે કહ્યું.

              ઘેર થાળીમાં  બાજરાનો રોટલો અને રીંગણા નો મઘમઘતો ઓળો પીરસાયેલો તૈયાર હતો.

          "અરે આ ઓળો !" " કેમ બપ્પોરે તમેજ તો લઈ આવ્યા હતાં,ફ્રિઝમાં પડ્યો હતો, તમને બહુ ભાવે છે ને ! મને એમ કે સાંજે તમારે ઓળોને રોટલો ખાવો હશે એટલે....."

               "અરે! આજે તો મિત્રો સાથે સાંજે પાણી પૂરી ને સેવપુરી ની જોરદાર પાર્ટી કરી છે. ઓવર ઇટીંગ થઈ ગયું છે.આજે રહેવા દે, જરા પણ ભૂખ નથી." ..કહીને એણે મ્હો ફેરવી લીધું, ઝળઝળીયા ગાલ પર ઉતરી આવે એ પહેલાં....



વિનોદ નગદિયા (આનંદ)



              

ટિપ્પણીઓ નથી: