મંગળવાર, નવેમ્બર 08, 2011

ટકોરા

થઇ જાય જ્યારે નયન સાવ કોરાં,
તો મારી દઉં છું ગઝલ ના ટકોરાં.

હળવે થી હડસેલી આઘાં કરું છું,
તમારા સ્મરણ બહુ આવેછે ઓરાં.

આ કેવી નડી ગઇછે આઝાદી અમને,
ન ચહેરા હવે કોઇ દેખાય ગોરા.

ગલીના ઝરૂખાઓ થઇ જાય હોડી,
એ ઝુકીને જ્યારે કરે વાળ કોરાં.

ધરી મુખ ઉભા એક નેવાંની નીચે,
હશે કેવાં તરસ્યાં ગલીના એ છોરાં.

આ ખંડેર હૈયું જો ખાલી જ રહેશે,
તો ઊર્મિ ના ઢગલા થઇ જાશે ઢોરાં.

હવે કોઇ સપનાઓ જોવા નથી ભૈ,
બહુ ચાખી લીધાં અમે સ્વાદ ખોરાં.

ખરી ચાલ તો અહીં ચાલે છે કિસ્મત,
છે  શતરંજ જીવન ને માણસ મહોરાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: