બુધવાર, ડિસેમ્બર 28, 2011

આછો પાતળો

એક રંજ રહી ગયો આછો પાતળો,
આ સંબંધ રહી ગયો આછો પાતળો.

દુનીયાના તમામ ગુનાહો કરીને પણ,
હું માણસ રહી ગયો આછો પાતળો.

પત્ર તારો હાથમાં ખુલ્લો રહી ગયો,
નિઃશ્વાસ એક સરી ગયો આછો પાતળો.

ખંડેર સમા સંબંધોની દિવાલો પર,
હું રંગ કરી ગયો આછો પાતળો.

જિંદગીની ઉત્તરવહી ભરી દીધી છતાં,
એક પ્રશ્ન રહી ગયો આછો પાતળો.

સૂકી ભઠ્ઠ જિંદગીના અફાટ રણમહીં,
સ્નેહનો રેલો વહી ગયો આછો પાતળો.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: