કોઇ એક ચહેરાને ધારવાની
કોશિષ આટલી કરી નથી,
કેવો હશે એ ચહેરો ?
આના જેવો હશે ?
કે પછી તેના જેવો હશે !
ચહેરાને એનું સ્વરૂપ આપવા
કેટલાય વર્તૂળ ચિતર્યા છે,
કેટલાંય લંબગોળ દોર્યા છે,
એમાં ચાંદલાય ચોંટાડી જોયા છે,
આંખોય ચિતરી જોઇ છે,
પરંતુ
"બા"
તારા ચહેરાને પામી શક્યો નથી,
હા,
એ દરેક અધૂરા ચિત્રો પર
જ્યારે જ્યારે અનાયાસ હાથ ફેરવું છું,
ત્યારે
જાણે મારી આંગળીઓને
કોઇ અંદરથી ચુમતું હોય
એવો અહેસાસ જરૂર થાય છે
અને
મારી આંખથી ટપકેલાં અશ્રુથી
"બા" નુ આછું ચિત્ર પણ રેળાઇ જાય છે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો