ગુરુવાર, સપ્ટેમ્બર 22, 2016

હે ઇશ્વર



જિંદગી બહુ મુલાયમ આપી છે તેં હે ઇશ્વર,
પુષ્પની સેજ કાયમ આપી છે તેં હે ઇશ્વર.

કોઇના દર્દને હું પાંપણોથી પોચું પાડી દઉં,
તેથીતો આંખ પણ નમ આપી છે તેં હે ઇશ્વર.

તૂટી જાઉં પરંતુ હું આતિથ્યને  નિભાવું છું, 
એવી તો શાખ અણનમ આપી છે તેં હે ઇશ્વર.

ઉર્મિઓના ભરી દઇને હજારો વાદળો દિલમાં,
વરસવાની જ મોસમ આપી છે તેં હે ઇશ્વર.

મધુર સંગીત થઇને સતત લહેરાય છે જીવન,
સૂરીલી એવી સરગમ આપી છે તેં હે ઇશ્વર.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: