શનિવાર, જૂન 25, 2022

મોગરાનું ફૂલ

છેલ્લા કેટલાક મહિના થી મેં ઘરની બાલકનીમા મોગરાનો છોડ વાવ્યો છે. હમણાં સીઝન હોવાથી એમાં ખૂબ ફૂલો આવે છે. હું રોજ સવારે છોડને પાણી આપુ છુ અને પછી લાંબા સમય સુધી મોગરાની કળીઓ ને ટગર ટગર નિરખતો રહું છું. હમણાં હમણાં એક કળી પર મારૂં વિશેષ ધ્યાન રહેતું હતું. કળીઓ ના ઝૂમખા વચ્ચે એનું મોટું કદ ખાસ ધ્યાન ખેંચતું હતું. હું આતુરતાથી એના ખિલવાની પ્રતીક્ષા કરતો હતો. મારી ધારણા હતી કે એ એક ખૂબસૂરત મોટું ફૂલ ખિલશે, અને હું એને મારા ઠાકોરજીને ચડાવીશ.


      અને એક દિવસ એ ખિલ્યું. બેહદ ખૂબસૂરત! એની પુણ્ય સુગંધ, અહા..! 

      ત્યાંજ હવાનું એક ઝોકું આવ્યું અને એ ફુલ ડાળીથી છુટું પડીને બાલ્કનીમાંથી ગયું સીધું નીચે. હું બેબાકળો થઈ ગયો. મેં અસ્વસ્થતાથી ઝૂકીને નીચે જોયું . એક મજૂરણ જેવી લાગતી સ્ત્રી મરક મરક થાતી એને પોતાના અંબોડામાં ગોઠવી રહી હતી. ઘડીભર ગુસ્સો આવ્યો. પછી થયું હાશ,  આવુ સુંદર ફૂલ ધૂળમાં રગદોળાઈ તો નથી ગયુંને. 

      અચાનક  મારા ઘરની બાજુના મકાનમાં આવેલી  મેટરનિટી હોમ હોસ્પીટલ માં હલચલ વધી ગઈ.માણસો જમા થવા લાગ્યા, પોલીસની વાન પણ આવી ગઈ. મારી આજુબાજુ ની બાલ્કનીમાંથી ડોકાં કાઢતા પાડોસીઓમાં ગણગણ થવા લાગી. ત્યાંજ કોઈ સમાચાર લઈને આવ્યું અને બોલતું સંભળાયું... અરે હોસ્પિટલમાંથી તાજી જન્મેલી બાળકીને કોઈ બાઈ ઉઠાવી ગઈ છે.. 

      

વિનોદ નગદિયા ( આનંદ) 


      

ટિપ્પણીઓ નથી: