શુક્રવાર, એપ્રિલ 28, 2023

અફસોસ લોકલ

 અફસોસ લોકલ

પ્લેટફોર્મ પર યાત્રિકો તો ઘણા હતા, પણ ગીર્દી નહોતી. એક આધેડ વયની સ્ત્રી કોઈ ટ્રેન ની પ્રતીક્ષા મા ઊભી હતી. એના વાળ, એની પીઠ પર નજર પડતાં જ આખા શરીરમા ઝણઝણાટી ફેલાઈ ગઈ. એ ધ્યાનથી એને નિહાળવા થોડો નજીક સરક્યો. થોડા સમય પછી સહજતાથી એ બીજી દિશા તરફ ફરી. 

હા.. એજ હતી, આટલા વર્ષો પછી પણ ઊભા રહેવાની એજ છટા. વાળ સંવારવાની એજ સ્ટાઈલ. હૈયું હાથમાં ન રહ્યું. લગભગ દોડીને એ એની સાવ સન્મુખ જઈને ઊભો રહી ગયો... એ હેબતાઇ ગઈ,એની આંખમા ભય છવાઈ ગયો અને બેબાકળી થઈ ને લગભગ ચીસ જેવા અવાજે બોલી "કોણ છો ત... " અને વાક્ય પુરું કરે એ પહેલાં જ અચાનક એનો ચહેરો ફરી ગયો. આંખો મા ઝળઝળિયાં આવી ગયાં. પુરૂષે એના બે હાથ લંબાવ્યા. સ્ત્રી એ હળવેથી એના હાથમાં હાથ મુકી દીધાં. હથેળીઓમાં લાગણીની સુનામી ફરી વળી, હસ્તરેખાઓ ડૂબવા લાગી. બન્ને તરફ આંખો મા ઝળઝળિયાં ના ઝાળા બાજ્યા. પ્લેટફોર્મ, માણસો, ટ્રેન બધું  ધૂંધળુ થઈ ગયું.  

કોણ જાણે કેટલો સમય થયો હશે, આંખો ના ઝળઝળિયાં મા સામ સામે કેટલીયે ટ્રેનો પસાર થઇ ગઈ. પ્લેટફોર્મ ખાલી થઈ ગયું, અને તંદ્રા તૂટી.. ફરી પાછી એ બેબાકળી થઈ ગઈ.... "અરે મારી ટ્રેન છૂટી ગઈ".  " કઈ ટ્રેન મા જવાનું હતું? "

   "નિયતિ એક્સપ્રેસ"

   

વિનોદ નગદિયા (આનંદ) 

   

ટિપ્પણીઓ નથી: