રવિવાર, મે 21, 2023

જિંદગી

સાવ ઢીલી ચાલમાં છે જિંદગી,
કયાં કદીયે તાલમાં છે જિંદગી.

જે સમય વાંછ્યો નથી ક્યારેય પણ,
એ સમય પર હાલમાં છે જિંદગી.

એક આંસુ થઈ અને અટકી પડી,
માશૂકાના ગાલમાં છે જિંદગી.

છટપટાવા વિણ કશું ક્યાં થઈ શકે,
સંજોગોની જાલમાં છે જિંદગી.

જિંદગીને એટલો સંતોષ છે,
બેખુદીના વ્હાલમાં છે જિંદગી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: