બુધવાર, જૂન 28, 2023

વરસે છે

નૈન કોઈની યાદમાં લાચાર વરસે છે,
એમ આજે મેઘ અનરાધાર વરસે છે.

એક સરખી ભાગ્યમાં ક્યાં હોય છે હેલી,
કોઈને સમજણ તો કોઈ પર પ્યાર વરસે છે.

ક્યાં પડી છે કંઈ ધરાને હેતની પરવા,
મન ભરી આ મેહુલો બેકાર વરસે છે.

સેવવી ક્યાં વિજ સમી આશા ઉજાસની,
ભીતરે આઠે પ્રહર અંધાર વરસે છે.

કેમ એ "આનંદ" ને અટકાવશે આખર,
એ જ કલમે થઈ ગઝલ ચોધાર વરસે છે.

વિનોદ નગદિયા (આનંદ)


ટિપ્પણીઓ નથી: