એરપોર્ટ ની લાઉન્જ માં માત્ર દસ પંદર મિનિટ ની મુલાકાત થઈ હતી. બે ચાર સહજ વાતો થઈ હતી(જો કે વધુ પડતી વાતો આંખોએ જ કરી હતી).
થોડીવારમા એને કોઈ ફોન આવ્યો. સ્વાભાવિક રીતે જ દૂર જઈને વાત કરવાના ઇરાદાથી એણે પોતાની પાસે રહેલ એક પેકેટ મારા હાથમાં થમાવી ને વિવેકથી કહ્યું, હું જરા આ ફોન એટન્ડ કરીને આવું છું. આ પેકેટ સાચવશો ? એની આંગળી ના સ્પર્શ માં એવું શું હતું કે હું જાણે અર્ધ બેહોશ થઈ ગયો.
એ દૂર ચાલી ગઈ. નજરો થી ઓઝલ થઈ ગઈ. ખાસ્સી વાર થઈ ગઈ.
હું ધીમે ધીમે જાણે હોંશ મા આવતો ગયો, અને વિચારે ચડતો ગયો બધા સગાં સંબંધીઓ મિત્રો એ વાળી વાળી ને સલાહ આપી હતી કે એરપોર્ટ પર કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈ પણ ચીજ એક મિનિટ માટે પણ લેવી નહીં. મારી આંખો ચકળવકળ થવા લાગી, હું ગભરાવા લાગ્યો. મને પસીનો વળવા લાગ્યો. સાલુ કોઈ જોઈ તો નહિ લે ને! કોઈ પકડી લેશે તો ? ત્યાં જ મારી ફલાઇટ નો સમય થઈ ગયો.
હું દ્વિધા માં મુકાઈ ગયો શું કરું ? પેકેટ અહીં જ મૂકી રાખું ? પણ જો એમ કરીશ તો અન્ય પેસેન્જરો તરત જ ટોકશે. વળી બરાબર મારી સામેજ સી સી ટીવીનો કેમેરા પણ હતો.
હવે શું કરું,?
ભગવાનનું નામ લઈને હું પેકેટ સાથે જ આગળ વધ્યો. મારો બધો સમાન ચેક થયો કશું કોઈના ધ્યાનમાં ન આવ્યું. બોર્ડિંગ વિન્ડો પણ ક્રોસ કરીને હું આગળ વધ્યો, ત્યાં જ પાછળ થી મારા ખભા પર હાથ મૂકીને એ અચાનક આવીને જાણે વળગી પડી...ફરી પાછો એ જ સ્પર્શ.... એ પેકેટ મારા હાથમાં થી લઈ ને સોરી સોરી કહેતી પોતાની ફલાઇટ પકડવા ભાગી.
કેટલા સી સી ટીવી કેમેરા હતાં! કેટલા સિક્યોરિટી ઓફિસરો! કેટલી પોલીસ કેટલા આધુનિક સાધનો ! કોઈની પકડમાં કંઈ ન આવ્યું ! પણ હતું તો ખરું ! કંઈક ખૂબ નશીલું ! એ પેકેટમાં કે... સ્પર્શમાં !
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો