શુક્રવાર, નવેમ્બર 24, 2023

એના અવાજમાં

પહેલાં સમો રણકો નથી એના અવાજમા, 
દિલ નો કોઈ પડઘો નથી એના અવાજમાં. 

વરસો પછી મળતા હશું એકાંત માં છતાં, 

આવેગ નો થડકો નથી એના અવાજમાં. 


ઓછાં થયાં છે હેત એ દેખાઈ આવે છે, 

છાનો કોઈ ઠપકો નથી એના અવાજમાં. 


ફિક્કા થયા છે સ્વાદ સહુ સંસારના હવે,

તીખાશનો તડકો નથી એના અવાજમાં.l


એ ગાય છે કવિતા ભલે ઉલ્લાસની છતાં,

"આનંદ"નો ઊભરો નથી એના અવાજમાં.



વિનોદ નગદિયા (આનંદ)




ટિપ્પણીઓ નથી: