મંગળવાર, નવેમ્બર 07, 2023

સુરસુરિયું

જવાની તાજી તાજી હતી. દિવાળી ના દિવસો હતા. માંડ માંડ મેળ પડ્યો હતો, અને એક બોમ્બ મેળવ્યો.

ખૂબ જતનથી એને સાચવ્યો અને એક સપરમા દિવસે નવી નક્કોર મીણબત્તી લાવી ને એની વાટ સળગાવી.સર સર કરતી વાટ સળગી ,પણ શું થયું કે બોમ્બ ફૂટ્યો નહિ, અને સુરસુરિયું થઈ ગયું.

    ફરી પાછી કોઈ નવી વાટ નાંખીને ક્યારેક ટ્રાય કરશું એમ વિચારી શર્ટ ના ખિસ્સા માં બરોબર હ્રદય ની પાસે એ બોમ્બ મૂકી દીધો. પણ પછી એ અવસર મળ્યો નહીં , અને દિવસો વીતતા ગયા. શર્ટ પણ ધોવાઈ ગયું, બોમ્બ પણ હવાઈ ગયો. 

  દિવસો, વરસો વીતતા ગયાં. કેટલાંય શર્ટ પહેરાઈ ગયાં, ધોવાઈ ગયાં...પણ હજી ક્યારેક મધરાતે મારા શર્ટ ના હૃદય પાસેના ખિસ્સા માંથી થોડોક ગૂંગળામણ કરતો ધૂમાડો નીકળતો હોય એવું લાગે છે. એ પેલાં સુરસુરિયા થઈ ગયેલા બોમ્બ નો નિ:શ્વાસ તો નહીં હોય !


   વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: